Skip to Content

એક તું જ તો છો

14 August 2024 by
Jepin Tank

જ્યારે જ્યારે હું મારી આંખો બંધ કરું છું

ત્યારે ત્યારે એક તું જ તો છો જે મને યાદ આવે છે


જો ભગવાન પહેલા પણ હું કોઈને યાદ કરતી હોઉં

તો એક તું જ તો છો જેને હું યાદ કરું છું


જ્યારે હું પારણામાં હતી ને રોવા લાગતી તી

ત્યારે બધા જ કામ બાજુએ મૂકીને

એક તું જ તો છો જે મને પારણું ઝુલાવતી હતી


જ્યારે મને બોલતા પણ નહોતું આવડતું

ત્યારે મારા કીધા વગર જ મને શું જોઈએ છે

એક તું જ તો છો જે બધું સમજી જતી હતી


જ્યારે હું પડી જાઉં છું કે મને વાગી જાય છે

એક તું જ તો છો

જેનું સ્મરણ મારા મુખ દ્વારા સૌથી પહેલા નીકળે છે


જ્યારે હું કોઇ મુશ્કેલીમાં હોઉં કે તકલીફમાં હોઉં

ત્યારે એક તું જ તો છો જેનો ચહેરો મારી સામે આવતા

મારી બધી જ તકલીફો નાનકડી લાગવા લાગે છે


જ્યારે તું મને પહેલા દિવસે શાળાએ મુકવા આવી હતી

પરંતુ મારે એ અજાણ લોકો વચ્ચે જવાની બિલકુલ પણ ઈચ્છા ન હતી

ત્યારે એક તુ જ તો છો

જે મારા સારા ભવિષ્ય માટે તારા કાળજા સમા ટુકડાને

અલગ કરવા પણ તૈયાર થઇ ગઇ હતી


શાળામાં સહેલીઓ ઘણી બની મારી

પરંતુ જે મને બખૂબી સમજી શકે

જે મને મારા કરતા પણ વધારે સમજી શકે

તેવી અત્યાર સુધીની મારી બેસ્ટ સહેલી એક તું જ તો છો


જરૂર પડી ત્યારે વઢી પણ લીધું

જરૂર પડી ત્યારે એક ગુરૂની જેમ સમજાવ્યું પણ ખરું

જરૂર પડી ત્યારે સહેલીની જેમ ધ્યાન પણ રાખ્યું

એક તું જ તો છો જેણે મને અત્યાર સુધી ભરપૂર વહાલ કર્યું


સવારે ચા નાસ્તો તૈયાર કરી દેશ

બપોરે ગરમાગરમ રોટલી બનાવી દેશ

મારી હર એક જરૂરતનું તું સંપૂર્ણ ધ્યાન રાખશ

એક તું જ તો છો જે મારી મારા કરતા પણ વધારે ધ્યાન રાખશ


એક વાત કહું...માં?


તું છે ને મારું આટલું બધું ધ્યાન ના રાખ

કેમકે આ બધી વસ્તુઓ ત્યાં સુધી જ સારી લાગે

જ્યાં સુધી માનો ખોળો સાથે હોય

કે જ્યાં માથું રાખીને આરામથી સૂઈ શકાય


પણ જ્યારે હું આ બાબુલનું આંગણું છોડીને પરાયા ઘરે જઈશ

ત્યારે હું તારા વગર કઈ રીતે રહીશ

તે ક્યારેય પણ વિચાર્યું છે...માં?


કેમ કે ત્યાં મારું તારા જેટલું ધ્યાન રાખવાવાળું કોઈ નહીં હોય

ત્યાં તો રસોઈ પણ જાતે જ બનાવવી પડશે

ખાધું તો ઠીક નહીતર કોઈ પૂછા કરવાવાળું પણ નહીં હોય


અત્યારે તું જે જવાબદારી નિભાવી રહી છો

ખૂબ જ જલ્દી તે જવાબદારી મારા માથા પર પણ આવશે


ત્યારે મારે પત્ની તથા વહુનું

દાયિત્વ નિભાવવું તો પડશે જ ને!


અને હા...

ક્યારેક ને ક્યારેક હું પણ માં તો બનીશ જ ને!


ત્યારે તારા જે જેટલો પ્રેમાળ સ્વભાવ તો કદાચ નહીં હોય મારો

તારા જેવી મહાન તો કદાચ નહીં બની શકું હું

પરંતુ તારા ચરણોની ધૂળ સમી બનવાનો પ્રયત્ન તો જરૂર કરીશ


એક તું જ તો છો જેને જોઈને મેં લડતા શીખ્યું છે

ભલે ગમે તેટલી મુસીબત હોય તો પણ હસતા શીખ્યું છે


એક તું જ તો છો

જેની સામે હું મારી બધી વાતો ખુલીને કરી શકું છું

કેમકે તું મારી માં નહીં પણ દોસ્ત જ છો


અંતમાં હું બસ એટલું જ કહીશ

માંને શબ્દોમાં વ્યક્ત કરવો અસંભવ છે

માં માટે તો આલ્ફાઝ પણ ઓછા પડી જાય

એટલું વિશાળ તેનું હૃદય છે

માં તો પોતાનામાં જ એક મહાકાવ્ય છે, મહાગ્રંથ છે


માં માટે તો જેટલું પણ લખીને

હંમેશાં ઓછું જ લાગે

મન તો કરે છે

બસ લખતી જ જાઉં... બસ લખતી જ જાઉં... લખતી જ જાઉં


તો પણ થોડી ઘણી હિંમત કરીને

જે મારી ક્ષમતા હતી

જે મારા આ નાનકડા મગજમાં બેસ્યું

જે થોડી ઘણી મારી દિલની ભાવનાઓ હતી


તેને શબ્દોમાં ઉતારવાનો એક નાનકડો પ્રયત્ન

આ નાનકડી ભુલકી એ કર્યો છે

Jepin Tank 14 August 2024
Tags
Archive