Skip to Content

નિઃશબ્દ

14 August 2024 by
Jepin Tank

જીવનમાં રડવું પણ જરૂરી છે

મંદ મંદ પવન ની સાથે તોફાન આવવું પણ જરૂરી છે


ક્યારેક શિયાળો તો ક્યારેક ઉનાળો પણ જરૂરી છે

ક્યારેક ચોમાસાની ભીનાશ પણ જરૂરી છે

તો ક્યારેક વર્ષાઋતુની હળવાશ પણ જરૂરી છે


ક્યારેક પાકા રસ્તાની સાથે પગદંડી પર ચાલવું પણ જરૂરી છે

તો ક્યારેક વાહનોના શોરગુલની સાથે-સાથે

વિરાન રણમાં મશગુલ રહેવું પણ જરૂરી છે


ક્યારેક સુખ પણ જરૂરી છે

ક્યારેક દુઃખ પણ જરૂરી છે

તો ક્યારેક સુખ અને દુઃખની આડમાં

નકાબ ઓઢવું પણ જરૂરી છે


ક્યારેક તડકો પણ જરૂરી છે

ક્યારેક છાંયડો પણ જરૂરી છે

તો ક્યારેક કોઈક માટે વિધાતાના રૂપમાં

પડછાયો બનવું પણ જરૂરી છે


ક્યારેક ભીડમાં રહેવું પણ જરૂરી છે

ક્યારેક એકલા રહેવું પણ જરૂરી છે

તો ક્યારેક બધાની સાથે હોઈને પણ

'કોઈની સાથે ના હોવું' એ પણ જરૂરી છે


ક્યારેક પોતાનાં જ લોકો માટે

પોતાનાં જ લોકોથી અલગ થવું પણ જરૂરી છે

તો ક્યારેક કોઈ ત્રીજા વ્યક્તિની આડમાં

બીજા વ્યક્તિને કુરબાન કરી દેવું પણ જરૂરી છે


ક્યારેક કોઈકનાં માં માટે

અપમાન સહેવું પણ જરૂરી છે

તો ક્યારેક કોઈકના સન્માન ને બચાવવા

આત્મ સન્માન ને ગુમાવવું પણ જરૂરી છે


ક્યારેક કોઈકને સાચું સાબિત કરવા

સચ્ચાઈ નો સહારો લેવો પણ જરૂરી છે

તો ક્યારેક સાચા હોઈને પણ

ખોટા સાબિત થઈ જવું પણ જરૂરી છે


ક્યારેક બીજાના ખોટા કામોનો

સાથ આપવો પણ જરૂરી છે

તો ક્યારેક બીજાની આબરૂ બચાવવા

અસત્યના માર્ગ પર ચાલવું પણ જરૂરી છે


ક્યારેક રાળો પાડી પાડીને પોતાનાં

નિર્દોષ હોવાનો પુરાવો આપવો પણ જરૂરી છે

તો ક્યારેક આખા મેદાનને દર્શક ની જેમ

મૂકબધિર બનીને જોવું પણ જરૂરી છે


ક્યારેક માન અપમાનની રમત રમવી પણ જરૂરી છે

તો ક્યારેક નિઃશબ્દ બનીને રમત જોવી પણ જરૂરી છે



Jepin Tank 14 August 2024
Tags
Archive