Skip to Content

પિંજરું

14 August 2024 by
Jepin Tank

સિંહને તેનું સોનાનું પિંજરું ગમી ગયું

એટલે તેણે બાહર નીકળવાનું છોડી દીધું


ચાંદની તેની ચાંદની પર અભિમાન થઈ આવ્યું

એટલે તેણે સુંદરતાનો આનંદ માણવાનું છોડી દીધું


દૂતોને તેમના અમરત્વ પર ઘમંડ થઈ આવ્યું

એટલે બધાને પોતાના સમાન ગણવાનું છોડી દીધું

બધામાં ઈશ્વરત્વના દર્શન કરવાનું છોડી દીધું


લોકો પણ કંઇક આવા જ હોય છે

હરહંમેશ તમને સતાવતા હોય છે

સતાવીને ડરાવતા હોય છે

ડરાવીને રડાવતા હોય છે


ક્યારેક તમારા સપનાઓની આહૂતિ માંગતા હોય છે

તો ક્યારેક તમારા વિચારોની પૂર્ણાહૂતિ કરાવતા હોય છે


ક્યારેક નૈતિકતામાં અનૈતિકતાના દર્શન કરાવતા હોય છે

તો ક્યારેક પોતે જ અનૈતિક કામો કરીને ચૂપચાપ સરકી જતા હોય છે


ક્યારેક પોતાના રીતિરિવાજો દ્વારા

તો ક્યારેક અદ્રશ્ય સંસ્કૃતિની આડમાં

એ તમને અપંગ બનાવી જતા હોય છે


ક્યારેક તમારા ખોટા વખાણો દ્વારા

તો ક્યારેક પોતાની ઊંડી ખાણ દ્વારા

એ તમને અંદર ધસાવી નાખતા હોય છે


ક્યારેક કોઈકની ચમચાગીરી કરીને

તો ક્યારેક અસત્યનું મલમ લગાડીને

એ તમારા પર પકડ જમાવવા માંગતા હોય છે


ક્યારેક તમારા વિચારોને નિયંત્રિત કરીને

તો ક્યારેક પોતાનાં જ મગજને અનિયંત્રિત બનાવીને

એ તમને પિંજરામાં પૂરી નાખતા હોય છે


પિંજરું ભલે સોનાનું હોય કે ચાંદીનું

એ પછી ભલે તાંબાનું હોય કે પિતળનું

પણ એ તમારા વિચારોનું બનાવી મૂકશે ઉંધીયું


પછી પછતાતા રહેજો વારંવાર

કોઈ સંગાથે નહીં આવે લગાતાર

ભલે કોશીશો કરો તમે હજાર વાર

કોઈ નહીં કરે તમારો વિશ્વાસ

ભલે ન માનો હાર તમે લાખ વાર

ભલે થઈ જાઓ તમે લોહીલુહાણ


હવે ...

માનો કે ના માનો, ઓળખો કે ના ઓળખો

પણ એ જ લોકો ક્યારેક જાણી જોઈને, તો ક્યારેક અજાણતા જ

ક્યારેક ડરાવીને તો ક્યારેક ધમકાવીને

ક્યારેક હસાવીને તો ક્યારેક રડાવીને


તમને પિંજરામાં પૂરી નાખતા હોય છે

તમારી આબરૂ સાથે રમી જતા હોય છે

તમારા આત્મ-સન્માનને છેડી જતા હોય છે

તમારા જ કાતિલ બની જતા હોય છે

Jepin Tank 14 August 2024
Tags
Archive